આ બ્લૉગ શોધો

12 ડિસેમ્બર, 2017

અલાઉદ્દીન ખિલજી :એક મહાન શાસક

વીસ વર્ષ મંત્રી (ઈ.સ.૧ર૪૬-૧ર૬૬) અને વીસ વર્ષ સુલતાન (ઈ.સ. ૧ર૬૬-૧ર૮૭) તરીકે દિલ્હી ઉપર શાસન કરનાર બલ્બનના મૃત્યુ સાથે જ બલ્બન વંશનો અંત આવી ગયો. વર્ષો સુધી બલ્બનની સેવા કરનારબરનનો રાજ્યપાલ અને યુદ્ધમંત્રી (આરિજે મમાલિક) મલીક ફિરોઝ ખિલજીએ ઈ.સ.૧ર૯૦માં પોતાને સુલતાન શાઇસ્તાખાન જલાલુદ્દીન ફિરોઝ ખિલજી તરીકે જાહેર કર્યો.
કેટલાક ઇતિહાસકારોના મત મુજબ જલાલુદ્દીન સુલતાન તરીકે નિર્બળ અને અયોગ્ય સાબિત થયો. સિત્તેર વર્ષના ઘરડા સુલતાને નવી ઉદાર નીતિ અપનાવી હતી. તે માનતો કે 'લોહી અને લોખંડની નીતિ'થી કાયમી સામ્રાજ્યની સ્થાપના કરી શકાય નહીં. આવી ઉદારનીતિને કારણે લોકોના મનમાંથી રાજ્સત્તાનો ભય નીકળી ગયો હતો. રાજ્યમાં ઠેરઠેર અનેક કાવતરા રચાયા અને બળવાઓ થયા પરંતુ નરમ દિલ જલાલુદ્દીને બળવાખોરોને સજાને બદલી માફી આપી.
જલાલુદ્દીનનો ભત્રીજો અને જમાઈ અલી ગુર્શપ એક બહારદૂર સૈનિક હોવા ઉપરાંત મહત્ત્વાકાંક્ષી અને વાસ્તવવાદી રાજનીતિજ્ઞ હતો. ઈ.સ.૧ર૯પમાં દેવગિરી પર કરેલી આક્રમણમાં ઘણો ખજાનો એને મળ્યો હતો. આ હુમલા પછી અલીગુર્શપની સત્તા માટેની મહત્ત્વકાંક્ષા બેકાબૂ બની ગઈ. એેણે પોતાના કાકા અને સસરા જલાલુદ્દીનનો ૧ર૯૬ની વીસમી જુલાઈએ વધ કરાવ્યો. એ વખતે એણે પોતે કડામાં હતો. એ પોતાને 'અલાઉદ્દીન મહંમદશાહ સુલતાનતરીકે જાહેર કર્યોજેને સામાન્ય લોકો અલાઉદ્દીન ખિલજી તરીકે ઓળખે છે.
 સુલતાન બનતા જ અલઉદ્દીને કડાથી રાજધાની દિલ્હી તરફ કૂચ કરીરસ્તામાં નવા સૈનિકોની ભરતી શરૃ કરી. જલાલી અમીરો પક્ષાંતર કરી એને મળવા આવવા લાગ્યા. ૩જી ઓકટોબર ૧ર૯૬ના દિવસે એનો વિધિવત રાજ્યાભિષેક કરાયો.
અલાઉદ્દીને દેવગિરિથી મેળવેલું ધન દિલ્હીની જનતામાં વહેંચી દીધું. એણે જલાલુદ્દીનના પુત્રોનો નાશ કર્યો.
અલાઉદ્દીનના રાજ્યાભિષેક સમયે મોટાભાગનો ઉત્તર અને દક્ષિણ ભારત મુસ્લિમ આધિપત્યથી બહાર હતો. એવામાં સમગ્ર ભારત ઉપર વિજય મેળવવો એના માટે સૌથી મોટી સમસ્યા હતી. મુલતાન અને સિંધ ઉપર જલાલુદ્દીન ખિલજીનો પુત્ર કે જે અલાઉદ્દીનનો સાળો થાય. અર્કલીખાન સ્વતંત્ર રૃપે રાજ ચલાવી રહ્યો હતો. ગુજરાતમાં બધેલ રાજપૂતોનું રાજ્ય હતું. રાજપૂતાના તરીકે ઓળખાતું રાજપૂતોનું વતન કે જેમાં હાલના રાજસ્થાન તથા મધ્યપ્રદેશગુજરાત અને પાકિસ્તાનના સિંધના કેટલાક ભાગનો સમાવેશ થતો હતો. એમાં ૧૮ રજવાડાઓ હતા. તેઓ દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર હતા પરંતુ અંદરોઅંદર એકબીજા સાથે લડતા હતા. રાજપૂતાનાને પોતાના આધિપત્યમાં લાવવું અલાઉદ્દીન ખિલજી માટે એક પડકાર હતો. એની પહેલાં કોઈ મુસ્લિમ શાસક રાજપૂત રાજ્યોને સંપૂર્ણપણે હરાવીને પોતાને આધિન કરવામાં સફળ થયો ન હતો. ચિત્તોડ અને રણથંભોરનું અસ્તિત્વ જ સલ્તનત માટે ખુલ્લો પડકાર હતો. મધ્ય ભારતમાં માલવાધારઉજ્જૈન અને બુંદેલખંડ જેવા પ્રદેશો સંપૂર્ણપણે સ્વતંત્ર હતા. દોઆબઅવધવારાણસી અને ગોરખપુરના પ્રદેશો ઉપર દિલ્હી સલ્તનતનો કોઈ પ્રભાવ ન હતો. આવી સ્થિતિમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીએ અવિરત યુદ્ધો કરી સલ્તનતનો વિસ્તાર વધાર્યો. ઉત્તર ભારતમાં પંજાબસિંધ અને ઉત્તરપ્રદેશના કેન્દ્રના સીધા શાસન હેઠળ નિયંત્રણમાં લાવી દીધા. મોટાભાગના મધ્ય ભારતમાં કે જેમાં ચંદેરીએલિમાપુરધારઉજ્જૈન અને માંડુ જેવા મહત્ત્વપૂર્ણ પ્રદેશોને પણ એણે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રાંતપતિઓના સીધા નિયંત્રણમાં મૂકી દીધા. ગુજરાત એની સલ્તનતનો એક પ્રાંત હતો. પૂર્વમાં વારાણસી અને અવધથી આગળ સલ્તનત વધી ન શકી. બીહાર અને બંગાળ ઉપર ક્રમશઃ હરિસિંહ અને શમ્સુદ્દીન ફિરોઝનું શાસન હતું. જેઓ સલ્તનતથી સ્વતંત્ર હતા. ઓરિસ્સા અને પૂર્વિય રાજ્યોમાં પણ સુલતાનની સેનાઓ પહોંચી ન હતી.
એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી એક નવો ધર્મ સ્થાપવા ઇચ્છતો હતો પરંતુ એના પ્રિય દરબારી દિલ્હીના કોતવાલ અલાઉદ્દીન મુલ્કે એને નવો ધર્મ સ્થાપવાના બદલે સિકંદરની જેમ વિશ્વ વિજયનું કાર્ય કરવાની પ્રેરણા આપી.
ઈ.સ.૧ર૯૭માં કાદરખાનના૧ર૯૯માં સકદી તથા કુતલુગ ખ્વાજાના૧૩૦પમાં અલીબેગના અને ૧૩૦૭-૦૮માં ઈકબાલમંદના નેતૃત્વ તળે મોગોલો ભારત ઉપર ચઢી આવ્યા હતા. અલાઉદ્દીન ખિલજીએ બધા જ આક્રમણોને સફળતાપૂર્વક ખાળ્યા અને દેશને કાયમ માટે મોગલોના આક્રમણોથી મુકત કર્યો.
પરંતુ એણે ભારતવ્યાપી સામ્રાજ્યના વિસ્તરણની યોજના તો ચાલુ જ રાખી. જેના ભાગરૃપે ઈ.સ.૧ર૯૭માં એણે પોતાના ભાઈ ઉબુદાખાન અને વજીર નુસરતખાનની આગેવાની હેઠળ વિશાળ લશ્કર ગુજરાત મોકલ્યું. વાઘેલા શાસક કર્ણ બીજો હાર્યો અને અણહલવાડ છોડીને ભાગી ગયો.
એ જ યુદ્ધમાં કાફૂર નામનો ગુલામ ખંભાતમાંથી મળ્યો જે પાછળથી અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય વજીર બન્યો. (કેટલીક ટીવી ચેનલ  ઉપર અલાઉદ્દીનને સોમનાથ મંદિર ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હોવાનું બતાવે છે પરંતુ ઇતિહાસકારોએ કયાંય આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી. એની કોઈ સાબિતી મળતી નથી.)
રાજસ્થાનનો રણથંભોરનો કિલ્લો વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો હતો. અલાઉદ્દીન ખિલજીએ રણથંભોર પર આક્રમણ કર્યું અને લગભગ એક વર્ષ સુધી કિલ્લાને ઘેરો ઘાલ્યા પછી જુલાઈ ૧૩૦૧માં કબજો કર્યો. રાણા હમીરદેવનો પરાજ્ય થયો. મહાન સૂફી કવિ અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના સમકાલીન અને એના દરબારી હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે 'એક રાત્રે રાય (હમીર દેવ)એ ડુંગરની ટોચે આગ સળગાવી પોતાની સ્ત્રીઓ અને કુટંબીજનોને એમાં હોમી દીધા અને પોતાના કેટલાક સૈનિકો સાથે શત્રુ ઉપર હુમલો કરવા ધસી ગયા અને નિરાશામાં પ્રાણ આપી દીધા.
ઈ.સ.૧૩૦૩માં અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર હુમલો કરી એના ઉપર કબજો કર્યો. આ એ કાર્ય હતું જે એની પહેલા કોઈ મુસ્લિમ શાસકે કર્યું ન હતું. રાણાએ કેસરિયા કર્યા. ૩૦,૦૦૦ રાજપૂતો માર્યા ગયા. અમીર ખુશરો આ યુદ્ધમાં અલાઉદ્દીન ખિલજીની સાથે હતા. એમણે લખ્યું કે અલાઉદ્દીને ર૬મી ઓગષ્ટ ૧૩૦૩માં ચિત્તોડ ઉપર વિજય મેળવ્યો. અલાઉદ્દીન ખિલજીએપોતાના મોટા પુત્ર ખિઝરખાનને ચિત્તોડનો શાસક બનાવ્યો અને ચિત્તોડનું નામ ખિઝરાબાદ પાડયું. જોકે માત્ર આઠ વર્ષના ટૂંકાગાળામાં ૧૩૧૧માં રાજપૂતોએ ખિઝરખાનને ત્યાંથી ભાગવાની ફરજ પાડી ચિત્તોડને પુનઃ પોતાના કબજામાં કરી લીધું.
જે કેટલાક લોકો કહે છે કેઃ 'અલાઉદ્દીન ખિલજી ચિત્તોડની રાણી પદ્મિની કે પદ્માવતી ઉપર મોહિત થઈ ગયો હતો અને એના પતિ રતનસિંહને ઉઠાવી લઈ ગયો હતો એ પછી રતનસિંહના બે બહાદુર સૈનિકો ગોરા અને બાદલ એને છોડાવવા માટે દિલ્હી આવ્યા હતા. એનો બદલો લેવા માટે અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર હુમલો કર્યો હતો અને રાણા રતનસિંહને હરાવી દીધો હતો. રાણી પદ્મિનીએ પોતાની દાસીઓ સાથે જોહર કરી પોતાની જાતને આગમાં હોમી દીધી હતી.આ ઘટનાનો ઉલ્લેખ કોઈપણ ઇતિહાસકારે કર્યો નથી. મલિક મોહમ્મદ જાયસીએ ૧પ૪૦માં એક કાલ્પનિક મહાકાવ્ય 'પદ્માવત'ની રચના કરી હતી એમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીની કથા વણી લીધી હતી. એ સિવાય જો કોઈએ આનો ઉલ્લેખ કર્યો હોય તો એ જેમ્સ ટોડ નામક ઇસ્ટ ઈન્ડિયા કંપનીના એક અધિકારીએ કર્યો હતો અને એ પણ છેક ઓગણીસમી સદીમાં ! એટલે પદ્માવતીને ઐતિહાસિક પાત્ર ગણી શકાય નહીં. ઈરફાન હબીબ જેવા ઇતિહાસકારો કહે છે કે  એ એક સંપૂર્ણપણે કાલ્પનીક પાત્ર છે એટલે પદ્માવતી વિશે વિરોધ વંટોળ ઊભો કરવો યોગ્ય નથી.
ઈ.સ.૧ર૯૦થી ૧૩૦૮ સુધી અલાઉદ્દીન ખિલજીએ નિરંતર યુદ્ધો કર્યા અને મોટાભાગના યુદ્ધોમાં એનો વિજય  થયો. એ માટે એનો ઉલુઘબેગનુસરતખાનમલીક  કાફૂર અને ગાઝી મલિક જેવા યોગ્ય સેનાનાયકોનો સાથ મળ્યો હતો. આ યુદ્ધો દર્શાવે છે કે તે સેનાપતિઓનો સેનાપતિ હતો. હરિશચંદ્ર વર્મામધ્યકાલીન ભારતભાગ-૧માં લખે છે કે એની (અલાઉદ્દીન ખિલજીની) પ્રભાવશાળી દૂરંદેશીતાથી ભારતવાસીઓ અત્યંત પ્રભાવિત થયા. જોધપુરના સંસ્કૃત શિલાલેખમાં કહેવામાં આવ્યું છેઃ 'અલાઉદ્દીન ખિલજીના દેવતુલ્ય શૌર્યથી પૃથ્વી અત્યાચારોથી મુકત થઈ ગઈ.'
અલાઉદ્દીનના શૌર્ય અને એની સૈનિક સફળતાએ એને સમકાલીનોમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.
'મધ્યયુગીન ભારતનો ઇતિહાસ'માં ડો.ઇશ્વરભાઈ ઓઝા લખે છે કે ઈ.સ.૧૩૦૬ સુધીમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીએ લગભગ સંપૂર્ણ ઉત્તર ભારત પર આધિપત્ય સ્થાપી દીધું હતું. ઈ.સ.૧૩૦૬માં વિશાળ લશ્કર લઈને મલીક કાફૂરે (દક્ષિણ ભારતના) દેવગીરી પર આક્રમણ કર્યું. પ્રારંભમાં બાગલણમાં ગુજરાતના નિર્વાસિત કૃણદેવ બીજાને હરાવ્યો. દેવગિરીમાં પણ રાજા રામચંદ્ર મલિક કાફૂર સામે ટકી શકયો નહીં. તેણે સંધિ સ્વીકારી લીધી કાફૂરને થોડા હાથીઓ અને પ્રચૂર માત્રામાં ધન આપીને રાજી કર્યો. રાજા રામચંદ્રને અલાઉદ્દીન ખિલજીને'રાયરાયાન'નું  બિરૃદ આપ્યું તથા છત્ર ચામર આપીને સન્માનિત કર્યો. આવા માનમરતબાની સાથે એક લાખ સોનાના ટકા પણ રાજાને ભેટ આપવામાં આવ્યા. ઉપકારવશ થયેલ રામચંદ્રે પોતાની પુત્રી ઝત્યાલીના લગ્ન અલાઉદ્દીન ખિલજી સાથે કર્યા. આ પ્રકારની મૈત્રી અલાઉદ્દીનના દૂર દક્ષિણના અભિયાનો માટે આશીર્વાદરૃપ નીવડી.
એવી જ રીતે ઈ.સ.૧૩૦૯માં વારંગલ અને ઈ.સ.૧૩૧૦માં દ્વારસમુદ્ર પર મલીક કાફૂરે આક્રમણ કર્યું. બંનેમાં વિજયી થયો. ઈ.સ.૧૩૧૩માં દેવગિરિને પુનઃ દિલ્હીના આધિપત્ય હેઠળ લાવવા કાફૂરે આક્રમણ કર્યું અને શંકરદેવને મારી વિજયી થયો.
આમ ઈ.સ.૧૩૧૩ સુધીમાં અલાઉદ્દીન ખિલજીએ લગભગ સમગ્ર દક્ષિણ ભારત પર સત્તા સ્થાપી દીધી. મલિક કાફૂરના વિજયો એ તેને દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં અમલ કરી દીધો.
રાજત્વ સિદ્ધાંતઃ અલાઉદદ્દીન ખિલજી દિલ્હી સલતનતનો એક મહાન શાસક હતો. તેણે રાજનીતિ અને વહીવટીતંત્રના લગભગ તમામ ક્ષેત્રોમાં પોતાની દૂરદર્શિતા તથા મૌલીકતા પ્રદર્શિત કરી એનો રાજત્વનો સિદ્ધાંત આનું ઉદાહરણ છે કે તે પૃથ્વી પર અલ્લાહના પ્રતિનિધિ (ખલીફાનાયબ)નો દાવો કરતો હતો. જો કે તે એ પણ માનતો હતો કે એનું રાજત્વ જનતાના પ્રેમ અને ભક્તિ વિના સંભવ નથી. તેથી એણે ભારતમાં હિંદુઓને રંજાડયા નહીં. એણે ધર્મ અને રાજનીતિને એક થવા દીધા નહીં. આમ એણે ધર્મ નિરપેક્ષ રાજત્વનું સ્વરૃપ આપ્યું. જો કે તે પોતે તો ઇસ્લામનો ચુસ્ત અનુયાયી હતો અને તેણે પોતાને ખલીફાનો નાયબ જ ગણાવ્યો. અમીર ખુશરોએ પોતાની રચના 'ખજાઈનુલ કુનુહ'માં અલાઉદ્દીનને 'વિશ્વનો સુલતાન' 'પૃથ્વીના શાસકોનો સુલતાનઅને 'પ્રજાપાલકજેવા બિરૃદ આપ્યા છે. એણે કયાંય ઇસ્લામના આદેશોનું ઉલ્લંઘન કર્યું ન હતું.
વહીવટી સુધારાઃ અલાઉદ્દીન ખિલજી એક મહાન વિજેતાની સાથે કુશળ વહીવટકર્તા પણ હતો. તેણે વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર સુધારા કર્યા. આમાંના કેટલાક તો પાછળથી શેરશાહ અને અકબરે અપનાવ્યા હતા.
એણે વિદ્રોહીઓને શોધીને કડક સજાઓ કરીઅમીર વર્ગ પાસેથી વધારાની સંપત્તિને જપ્ત કરી. ખાલસા ભૂમિને ખેતીલાયક બનાવી. મહેસૂલમાં વૃદ્ધિ કરીએણે ગુપ્તચરોની નિયુક્તિ કરી જે સમગ્ર પ્રદેશમાંથી રજેરજની માહિતી એને આપતા હતા. તેથી કોઈ અમીર-ઉમરાવ કે સૂબો સુલતાન વિરુદ્ધ બળવો કરવાનું વિચારી પણ નહોતો શકતો. સુલતાને દારૃબંધી કરીદારૃ બનાવનારાઓને અંધારા કૂવામાં ફેંકી દીધા. અમીરોને મદ્યપાન કરવા માટે કઠોર દંડ આપ્યા. જુગાર રમવા અને ભાંગ પીવા ઉપર પણ પ્રતિબંધ લાધ્યો. અમીરો દારૃની મહેફિલ સજાવી ન શકે કે ઉજાણી ન કરી શકે એ માટે એમના હળવા-મળવા ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો. એણે લશ્કરને બળવાન બનાવ્યો. એણે ઉલેમાઓથી સલાહ-સૂચન લેવાનું બંધ કરી દીધું હતું. એ રીતે તે ફ્રાન્સના લુઈ ચૌદમા કે પ્રુશિયાના ફ્રેડરીક મહાનની જેમ પોતે જ પોતાનો સલાહકાર હતો. એના મંત્રીઓની સ્થિતિ સચિવો અને કારકૂનો જેવી હતી. બધાને એની આજ્ઞાનુસાર કાર્ય કરવું પડતું હતું. સલતનતમાં કોઈપણ વ્યક્તિ સુલતાનની સમકક્ષ પોતાને માની શક્તી ન હતી.
અલાઉદ્દીન સામ્રાજ્યનો સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. એ ખુલ્લા દરબારમાં ન્યાય તોળતો હતો. પ્રજાને ઘણો ઝડપી ન્યાય મળતો હતો. મોટાભાગના ઇતિહાસકારો અને તજજ્ઞો માને છે કે અલાઉદ્દીનનું ન્યાયતંત્ર એકંદરે નિષ્પક્ષ હતું. અલાઉદ્દીન ખિલજી આ વાતનું ધ્યાન રાખતો હતો કે એના ઉચ્ચ ન્યાયાધીકારી લોકો સાથે સારો વ્યવહાર કરે અને જીવનમાં પણ પવિત્રતા રાખે. દારૃનું સેવન કરનારા એક ન્યાયાધીશને એણે સજા આપ્યાનો ઉલ્લેખ પણ મળે છે. એના જાસૂસો એ વાતનું ધ્યાન રાખતા કે કોઈ અધિકારી રૈયત ઉપર અત્યાચાર ન કરે.
પોલીસ અને જાસૂસીતંત્રઃ
અલાઉદ્દીન ખિલજીએ પોલીસ ખાતાને મજબૂત બનાવ્યું હતું. આ ખાતાનો મુખ્ય અધિકારી કોટવાલ હતો. જે રાજ્યમાં શાંતિ અને કાયદાનો રક્ષક હતો.
અલાઉદ્દીન ખિલજીએ ગુપ્તચર વિભાગને સક્ષમ બનાવ્યું હતું. જાસૂસી ખાતાનો મુખ્ય અધિકારી 'બરીદ-એ-મુમાલિકહતો. એના અંતર્ગત ઘણા બરીદ અથવા સંદેશવાહકોની નિયુક્તિ કરવામાં આવતી. રાજ્યમાં ઘટનારી દરેક ઘટનાની જાણકારી સુલતાનને આપવામાં આવતી હતી.ગુપ્તચરોની ગતિવિધીઓને કારણે લોકો ખાસ કરીને અમીર-ઉમરાવો અને અધિકારી ફફડાટ અનુભવતા રહેતા. બજાર નિયંત્રણનો શ્રેય આ જાસૂસોને જ ફાળે જાય છે.
* ટપાલ વ્યવસ્થાઃ અલાઉદ્દીન ખિલજીએ દરેક રાજમાર્ગ ઉપર બે થી ત્રણ કિલોમીટરના અંતરે ચોકીઓની સ્થાપના કરી હતી જેમાં અધિકારીઓ સંદેશા વ્યવહારની આપ-લે કરતા.
આ ઉપરાંત અલાઉદ્દીન ખિલજીએ લશ્કરી તંત્રમાં પણ મહત્ત્વના સુધારા કર્યા હતા. એણે કાયમી લશ્કરની સ્થાપના કરી હતી. એ વખતે ૪,૭પ,૦૦૦ સૈનિકોનું લશ્કર બનાવ્યું હતું. સૈનિકોને યોગ્ય શસ્ત્રો આપવામાં આવતા. પ્રત્યેક લશ્કરી અભિયાનની સફળતા પછી સૈનિકોને ઈનામ આપવામાં આવતું. સૈનિકોના સુખઆરામઅને અન્ન પુરવઠાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી. એના સમયમાં ગુલામોની સંખ્યા પ૦,૦૦૦ હતી જેનાથી બેશુમાર ખર્ચનો બોજો શાહી ખજાના ઉપર પડતો હતો.એથી એણે વસ્તુઓની કિંમત ઘટાડવાની નીતિ અપનાવી હતી. એ માટે કેટલાક નિયમો ઘડયા. પરિણામે સૈનિકોનો આવશ્યક ચીજો પરનો ખર્ચ ઓછો થઈ ગયો. આ નિયમો કે જોગવાઈને જ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં અલાઉદ્દીન ખિલજીના આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. એણે બજાર ઉપર નિયંત્રણ મૂકયું. વેપારીઓને ફરજિયાત નોંધણી કરાવવી પડતી. એમને લોન આપવામાં આવતી. કાળાબજાર ઉપર નિયંત્રણ હતું. એણે પોતાની જેમ જ ઈમાનદાર,વિશ્વાસુ અને નિષ્ઠુર અધિકારીઓની નિમણૂક કરી જેઓ સામાન્ય બજાર કે 'દીવાન-એ-રિયાસત'ની દેખરેખ રાખતા હતા. ઓછું જોખતા કે ભેળસેળ કરતા વેપારીઓને કડક સજા કરવામાં આવતી હતી. વેપારી ગ્રાહકને તોલમાં જેટલું ઓછું આપે એટલા જ વજનનું માંસ વેપારીના શરીરમાંથી કાપીને સજા કરવામાં આવતી હતી ! આથી બજાર સુવ્યવસ્થિત થઈ ગયું. અલાઉદ્દીન ખિલજીના આર્થિક સુધારાઓને સલ્તનતનકાળની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધી ગણવામાં આવે છે. કારણ કે ભાવ નિયમન અને બજાર નિયંત્રણ વ્યવસ્થાને પરિણામે ચીજવસ્તુઓના ભાવ વર્ષો સુધી ઘણા જ નીચા રહ્યા. સરકારી ગોદામો અનાજથી એટલા ભરચક હતા કે રાજધાનીમાં કયારેય દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી જ નહીં. અલાઉદ્દીન ખિલજીએ રાશન-વ્યવસ્થા લાગુ કરી હતી એના પણ પ્રમાણ મળે છે. દરેક ઘરને અડધો મણ (દસ કિલો) અનાજ દરરોજ આપવામાં આવતું.
અલાઉદ્દીનનું મૂલ્યાંકનઃ
અલાઉદ્દીનની સફળતા અને કારકિર્દીનું મૂલ્યાંકન ટૂંકમાં કરવું હોય તો આ મુજબ કરી શકાય.
અલાઉદ્દીન એક પરાક્રમીસાહસિકઅગાધ શક્તિવાળો અને મધ્યયયુગનો મહત્ત્વનો શાસક હતો.
એલફિન્સ્ટન નોંધે છે તેમ 'અલાઉદદ્દીન ખિલજીનો શાસનકાળ ગૌરવપૂર્ણ હતો. સમગ્ર રીતે તે એક સફળ સુલતાન હતો અને પોતાની સત્તાઓનો તેણે ન્યાયી ઉપયોગ કર્યો હતો.
આ મતને સમર્થન આપતા બીજા અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્લી લેનપૂલ જણાવે છે કે 'અલાઉદીન ખિલજી લોહીપિપાસુ અને નિરંકુશ હતો,છતાં તે યોગ્ય શાસક હતો તેનો ઇન્કાર કરી શકાય નહીં.'
અલાઉદ્દીન ખિલજી અભણ હતો છતાંય યુદ્ધ કૌશલ અને શૌર્યનો એનામાં ગજબનો સુમેળ હતો. મૌલિક વિચારોને નક્કર વ્યવહારૃં બનાવવાની કોઠાસૂઝે જ તેને સફળતા અપાવી હતી.
તે કયારેય કોઈ સ્ત્રીના પ્રભાવમાં આવ્યો ન હતો. એ પોતે ઇસ્લામનો અનુયાયી હતો. જો કે એ કટ્ટર મુસ્લિમ ન હતો. એમ છતાંય એણે ઇસ્લામના આદેશોનું પણ કયારેય ઉલ્લંઘન કર્યું ન હતું. એણે દારૃબંધી કરી હતી.વ્યભિચારના દૂષણને ડામવા એણે ઘણા પ્રયાસ કર્યા હતા. વેશ્યાઓને લગ્ન કરવાની ફરજ પાડી હતી. ઊંટવૈદ્યુ કરતા હકીમોને શિક્ષા કરી હતી. જાદૂગરોને તગેડી મૂકવામાં આવ્યા હતા. એણે અંધશ્રદ્ધા,ટૂચકાં અને હાથચાલાકી નાબૂદ કરવાના પ્રયાસ કર્યા હતા. આ પ્રયાસો તેને એક મહાન સમાજ સુધારકની કક્ષામાં મૂકી દે છે.
એણે શીરીનો કિલ્લો અને ત્યાંનો 'હજાર સૂતુન મહેલતૈયાર કરાવ્યો હતો. દિલ્હીની 'કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ'નો પાયો નાંખ્યો હતો. તેણે ઘણી મસ્જિદોસરાઈઓ અને ખાનકાહો ચલાવ્યા હતા.
પોતે અભણ હતો પણ વિદ્વાનોની કદર કરતો હતો. અમીર ખુશરો અને હસન નિઝામી જેવા છેંતાળીસ સાહિત્યકારો-વિદ્વાનોને એણે રાજ્યાશ્રય આપ્યો હતો.
રાજસ્થાન તથા દક્ષિણ ભારતનો એ પ્રથમ મુસ્લિમ વિજેતા હતો.
ડો.ગુપ્તા એને વહીવટી પ્રયોજક ગણે છે. તેઓ કહે છે કે મધ્યકાલીન ભારતના મુસ્લિમ શાસકોમાં રચનાત્મક પ્રતિભાસંપન્ન તે પ્રથમ સુલતાન હતો.
તે જીવ્યો ત્યાં સુધી સામ્રાજ્યમાં શાંતિસલામતી અને વ્યવસ્થા જળવાઈ રહી.
હેવલ જણાવે છે કે અલાઉદ્દીન પોતાના યુગ કરતા ઘણો જ આગળ હતો.
જલોદરના રોગથી પીડાતો સુલતાન અલાઉદ્દીન ચોથી જાન્યુઆરી ૧૩૧૬ના રોજ આ ફાની દુનિયા છોડી ગયો.
***********************************************************
(સંદર્ભ ગ્રંથોઃ (૧) મધ્યકાલીન ભારત ભાગ-૧, (હિંદી) સંપા. હરિશચંદ્ર વર્માપ્રકાશક ઃ હિંદી માધ્યમ કાર્યાન્વય નિદેશાલયદિલ્હી વિશ્વવિદ્યાલયદિલ્હીફેબ્રુઆરીર૦૦૩)
(ર) મધ્યયુગીન ભારતનો ઇતિહાસ ડો. ઇશ્વરભાઈ ઓઝાયુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડગુજરાત રાજ્યઅમદાવાદપ્ર.સાલ. ર૦૧૧.
(૩) (અંગ્રેજી) એડવાન્સડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાસંપા. આર.સી. મજૂમદારએચ.સી. રાયચૌધરી અને કલિકિંકર દત્તાપ્રકાશક ઃ મેકમિલન,લંડનરિ-પ્રિન્ટઃ ૧૯૬પ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો